શ્રી સરખેજ ચાતુર્વેદી મોઢબ્રાહ્મણ જ્ઞાતિ સમસ્ત ટ્રસ્ટ ની સ્થાપના
આપણે સૌ શ્રી ક્ષેત્ર - સરખેજની પુનીત પાવન ધરતીના પુણ્યશાળી સંતાનો છીએ. સરખેજ શબ્દ શહરખેજ પરથી બન્યો છે.. શહરખેજ એટલે ઉગતો સૂર્ય. બીજો અર્થ સર+ખેજ એટલે “ઉન્નત મસ્તક રાખનાર ખુમારીવાળો યુવાન” સરખેજનું નામ અને આસપાસના અવશેષો જોતા એમ લાગે છે કે સરખેજ ઘણું પ્રાચીન અને ભવ્ય જાહોજલાલીવાળું સમૃદ્ધ ગામ હશે. શ્રી સરખેજની ધરતીએ સંતો- મહંતો, સન્યાસીઓ શ્રેષ્ઠ કલાકારો, વિદ્વાન શિક્ષકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ, નિષ્ઠાવાન અધિકારીઓ, ધર્માનુરાગી આચાર્યો આપ્યા છે.એમના થકી શ્રી સરખેજગામ તેમજ સમસ્ત મોઢ બ્રાહ્મણ સમાજ અંત્યંત ગૌરવની લાગણી અનુભવે છે.
શ્રી સરખેજ ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના આપણા પરમ વંદનીય પૂર્વજોએ આપણને ભવ્યાતિભવ્ય વારસો આપ્યો છે અને આજની નવી પેઢીએ પોતાના પુરુષાર્થ અને સુઝબુઝથી તે વારસાને ઉજ્જવળ બનાવ્યો છે.ઘણા સમયથી આપણી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની આર્થિક, ધાર્મિક, અને સામાજિક પ્રગતિ ઉત્તરોત્તર થતી રહી છે અને થતી રહેશે..આજે શ્રી સરખેજ ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્ત ટ્રસ્ટ આપ સર્વે સુજ્ઞ જ્ઞાતિબંધુઓને ખુબજ પ્રેમ અને અંત્યંત આદરપૂર્વક આવકારે છે.
શ્રી સરખેજ ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિનો ઇતિહાસ
પ્રાચીન સમયમાં ભારતદેશમાં બ્રાહ્મણોની એકજ જ્ઞાતિ હતી. પરંતુ સમય જતા ભારતમાં બ્રાહ્મણો ના દસ પ્રકાર અસ્તિત્વ માં આવ્યા- કર્ણાટકી, તેલંગ, દ્રાવિડ, મહારાષ્ટ્રી, ગુર્જર, સારસ્વત, કાન્યકુબ્જી, ગૌડ, ઉત્કલ, અને મૈથીલ. આ પૈકી આપણે સર્વે ગુર્જર બ્રાહ્મણોની ૮૪ વિવિધ જ્ઞાતિઓ માનવામાં આવે છે. એક સમયે અમદાવાદમાં આ ૮૪ જ્ઞાતિના બ્રાહ્મણોનો જમણવાર થતો જે “શહેર ચોર્યાશી “ તરીકે ઓળખાતો.
આ ગુર્જર બ્રાહ્મણો પૈકીના મોઢ બ્રાહ્મણો નો ઇતિહાસ ઘણો જ પ્રાચીન છે. મોઢ બ્રાહ્મણોની ઉત્પત્તિની કથા પૌરાણિક દ્રષ્ટીએ સત્યયુગથી શરૂ થઇને વર્તમાનકાળ સુંધી વિસ્તરેલી છે. શ્રી “પદ્મ પુરાણના ધર્મારણ્યમાહત્મ્ય. ‘ અને “સ્કંદ પુરાણના ધર્મારણ્યખંડ” બંનેમાં મોઢ બ્રાહ્મણની ઉત્પત્તિનો ઈતિહાસ છે. મોઢ બ્રાહ્મણો કુલ ૬ પ્રકારના માનવામાં આવેછે.- ચાતુર્વેદી, ત્રિવેદી, જેઠીમલ્લ ,અગ્યાસણા,ધેનુજા,અને તાદુલીયા.આપણે ચાતુર્વેદી બ્રાહ્મણો સામવેદી અને કૌથુમી શાખાના છીએ.
જોકે મોઢ બ્રાહ્મણો ના ઇતિહાસ અંગે અનેક દંતકથાઓ પ્રચલિત છે. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની ઉત્પત્તિ ધર્મારણ્ય – મોઢેરામાં થઇ છે. પ્રાચીન કથાનક પમાણે એમ માનવામાં આવેછે કે સમસ્ત મોઢ સમાજના કુળદેવતા ભગવાન શ્રી રામ છે,અને તેમણે હનુમાનજીને મોઢેરાના સંરક્ષક નીમ્યા હતા.સમસ્ત મોઢ બ્રાહ્મણોની કુળદેવી શ્રી માતંગી - મોઢેસ્વરી માતા છે. શ્રી મોઢેસ્વરી માતાનું મંદિર ગુજરાતના ખુબજ પ્રચલિત અને પૌરાણિક તીર્થધામ એવા મોઢેરા [ધર્મારણ્ય] ખાતે આવેલું છે. મોઢેરાની ઉત્પત્તિ અને પતનની કથા એઈતિહાસિક છે. એમ મનાય છે કે ઘણા વર્ષો પૂર્વે [લગભગ ૧૧ મી સદી માં] મોઢેરામાં વસતા ચાતુર્વેદી બ્રાહ્મણોએ મુગલોના આક્રમણથી બચવા સ્થાનાંતર કરીને શ્રી સરખેજ, કપડવંજ ,બાલાશિનોર તેમજ સૌરાષ્ટ્રના વિવિધ ગામોમાં જઈને વસવાટ કર્યો.
શ્રી સરખેજ ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્ત ટ્રસ્ટ ની સ્થાપના-
.શ્રી સરખેજ મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મુખ્યત્વે ચાર કુટુંબમાં વહેંચાયેલી છે.એજ રીતે સમસ્ત બ્રાહ્મણ સમાજના સામાજિક અને ધાર્મિક પ્રસંગો વખતે વાડી-વાસણો અને અન્ય સગવડો પૂરી કરવા અને સંચાલન કરવા માટે ત્રણ સંસ્થાઓ [તડ] હતી.
આ દરેક તડની વહીવટી વ્યવસ્થા- નીતિ નિયમો, સંચાલકો અલગ અલગ હતા.દરેક તડની વાડીઓ,વાસણો, અન્ય સ્થાવર -જંગમ મિલકતો,નાણા ભંડોળ બધું અલગ હતું. વર્ષોથી વિના વિઘ્ને આ વ્યવસ્થા ચાલતી રહી. આ તમામ તડના એકત્રીકરણ નું મૂળ બીજ - એક ઉમદા વિચાર દરેક ના મનમાં રોપવાનું ખુબજ મહત્વનું કામ પરમ વંદનીય સ્વામી શ્રી તદ્રુપાનંદજીએ કર્યું. સ્વામીજી સરખેજ ખાતે ગીતાજ્ઞાનના પ્રવચન માટે પધારેલા, તે સમયે વાડીના પ્રવેશદ્વાર પર લગાડેલી તકતી જોઈ - “મોટાં તડની વાડી” એટલે તેઓશ્રીએ પ્રવચનની શરૂઆતમાં કહ્યું કે તડ એટલે તિરાડ...મોટું તડ એટલે મોટી તિરાડ. ..તો સરખેજ મોઢ બ્રાહ્મણોમાં આવી કેટલી તિરાડ છે ? આ વાત બધાને સ્પર્શે એ સ્વાભાવિક હતું.
આમ સમય સંજોગના પરિવર્તન સાથે દરેકની જરૂરિયાત વધતી ગઈ એટલે સમયની માંગ અને સ્વામી શ્રી તદ્રુપાનંદજી ની સલાહ ધ્યાનમાં લઈને ૧૯૮૦ પછી શ્રી વિરંચીપ્રસાદ દલસુખરામ ત્રિપાઠી તથા દરેક તડના આગેવાનો,અને અન્ય માહાનુંભાવોએ ભેગા મળીને આ ત્રણેય તડનું એકત્રીકરણ કરવાનું સ્વીકાર્યું અને તા.૫-૪-૧૯૮૧ ના રોજ બધા આગેવાનોએ સર્વાનુમતે ત્રણેય તડોનું એકત્રીકરણ કરવાનો ઠરાવ પસાર કર્યો. જોકે ચેરીટી ટ્રસ્ટના કાયદાની જટિલ જોગવાઈઓનું પાલન કરીને આ કાર્ય પૂરું કરવામાં ખુબ સમય લાગ્યો.આખરે તા.૭-૧૦-૧૯૮૪.ના રોજના ઠરાવ મુજબ ચેરીટી કમિશ્નર ની કચેરીમાં ટ્રસ્ટના બંધારણ તથા પ્રથમ ટ્રસ્ટીઓની યાદી મોકલી આપી. ત્યારબાદ તા.૭-૧૧-૧૯૮૫ ના રોજ હુકમ નંબર ૩૨ મુજબ “શ્રી સરખેજ ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્ત ટ્રસ્ટ” એ નામથી ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન થયું.
આ સમયે દરેક તડની વાડીઓ, વાસણો અન્ય મિલકતો બધુજ આ એકજ ટ્રસ્ટના વહીવટ હેઠળ લાવવામાં આવ્યું .આમ ૧૯૮૫-૮૬માં શ્રી સરખેજ ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્ત ટ્રસ્ટની સ્થાપના થઇ. સમગ્ર જ્ઞાતિબંધુઓનો અભૂતપૂર્વ સાથ-સહકાર મળતો ગયો અને આપણે સ્વબળે આપણી જરૂર મુજબ સારી સગવડો વધારતા ગયા.
આપણા આ ટ્રસ્ટની સ્થાપના પહેલા લગભગ ૧૯૪૬-૪૭ માં શ્રી સરખેજ મોઢ બ્રાહમણ જ્ઞાતિના સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે આપણી જ્ઞાતિના મહાનુભાવોએ ‘શ્રી સરખેજ મોઢ બ્રાહ્મણ હિતવર્ધક સમાજ” ની સ્થાપના કરી હતી.આ સંસ્થાએ જ્ઞાતિના શૈક્ષણિક, સામાજિક,અને સાંસ્કુતિક વિકાસમાં સિહફાળો આપ્યો હતો. આ સંથાનું બહુમૂલ્ય પ્રદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી. શ્રી સરખેજ મોઢ બ્રાહ્મણ હિતવર્ધક સમાજનો કુશળ અને અભૂતપૂર્વ વહીવટ કરનાર આપણા આદરણીય વડીલો- સંચાલકોના ભગીરથ પ્રદાન નો ઋણસ્વીકાર કરીએ છીએ. જયારે આ ત્રણેય તડનું એકત્રીકરણ થયું ત્યારે શ્રી સરખેજ મોઢ બ્રાહ્મણ હિતવર્ધક સમાજનું આ ટ્રસ્ટમાં વિલીનીકરણ કરવાનો વિચાર ઉદભવ્યો. જ્ઞાતિજનોની આ લાગણીને ધ્યાનમાં રાખીને તેમજ કાયદાની જોગવાઈઓ પ્રમાણે પુરા મનોમંથન પછી શ્રી સરખેજ મોઢ બ્રાહ્મણ હિતવર્ધક સમાજનું શ્રી સરખેજ ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્ત ટ્રસ્ટમાં વિલીનીકરણ કરવામાં આવ્યું.
આજે આપણે સર્વે જ્ઞાતિજનો હવે આપણી આ એકજ સંસ્થા- શ્રી સરખેજ ચાતુર્વેદી મોઢ જ્ઞાતિ સમસ્ત ટ્રસ્ટના જન્મથીજ [ BY BIRTH ] સભાસદ છીએ અને સભાસદ રહીશું. શ્રી સરખેજ ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્ત ટ્રસ્ટ ના સભાસદના ઘેર જન્મ પામનાર દરેક બાળક By Birth આ સંસ્થાનો સભ્ય બની જાય છે.